રિપોર્ટ@સાંતલપુર: પથ્થરની ખાણથી ત્રાહિમામ્ ખેડૂતો, પગપાળા માટે ભયજનક, રોયલ્ટી ચોરીના આક્ષેપો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સાંતલપુર તાલુકાના ગામે કેટલાક દિવસોથી શરૂ થયેલી જમીનમાંથી પથ્થર કાઢવાની કામગીરી સામે ચોંકાવનારી વિગતો મળી છે. ગામની એકદમ નજીક મોટી ખાઇ કરી કપચી માટેનો પથ્થર કાઢવામાં આવી રહ્યો છે. જેનાથી આખો દિવસ ઉડતો પાઉડર બાજુનાં ખેતરો તરફ જાય છે. જેનાથી એરંડાનો કૃષિ પાક નિષ્ફળ ગયાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ સાથે બીજા કેટલાક ગ્રામજનોએ જણાવ્યું કે, ગામથી ખેતર તરફ જતાં વચ્ચે આવતી આ મોટી ખાણમાં બાળકો, વૃધ્ધો અને પાલતું પશુઓ પડી જાય તેવી શક્યતા છે. આ દરમ્યાન એવા પણ ગંભીર આક્ષેપો થયા કે રોયલ્ટી ભરાય એની સામે ડબલ સંખ્યામાં ડમ્પરો નિકળી રહ્યા છે. જેનાથી ખાણ ધારક સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ પાસે કાળા પથ્થર કાઢવામાં આવી રહ્યા છે. જમીનથી સરેરાશ 20 મીટર અંદર મશીનથી ખોદકામ કરી કાળા પથ્થર કાઢી રહ્યા છે. ભારતમાલા હાઇવે પ્રોજેક્ટનું કામ કરતી સીડીએસ કંપની માટે આ કાળા પથ્થર કાઢવામાં આવી રહ્યા છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
આ માટે પાટણ ખાણખનીજ દ્વારા સરેરાશ એક લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો કાઢવાની પરમિટ અપાઇ છે. હવે જમીનથી ખૂબ ઉંડે મશીનથી બ્લાસ્ટ કરીને કે અન્ય કોઈ પધ્ધતિથી કાળા પથ્થર કાઢતાં પાઉડર જેવી ઝીણી રજ આસપાસમાં ફેલાઇ રહી છે. જેનાથી નજીકના એક ખેતરમાં વાવેતર કરેલ એરંડા પાકને ભયંકર નુકસાન ગયાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખાણની જગ્યાથી ગ્રામજનો એટલા હદે ત્રાહિમામ્ છે કે, જો ખાણ બંધ થાય તો રાહત મળે તેવી વાત કરી હતી. ગામલોકોને ખેતર તરફ જતાં વચ્ચે આવતી આ ખાણમાં પડી જવાનો સૌથી મોટો ભય છે. પગપાળા જતાં વૃધ્ધો, બાળકો કે ઢોરઢાંખર પણ ખાણમાં પડી જાય તેવી પ્રબળ શક્યતા છે. ખાણની કામગીરી દરમ્યાન અવાજથી પણ નજીકના રહીશો પરેશાન હોવાનું જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામલોકોએ ખાણથી ઉભી થયેલી મુશ્કેલીઓ જણાવતાં રોયલ્ટી બાબતનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે, દૈનિક જેટલા ડમ્પરો કપચી ભરીને નિકળે છે તેમાં અડધા ડમ્પરોની રોયલ્ટી બતાવવામાં આવે છે. અગાઉ એકવાર પાટણ ખાણખનીજની ટીમ તપાસ અર્થે આવી હતી ત્યારે પરમિટના માણસો દોડધામ કરવા લાગ્યા હતા. આ તમામ બાબતોથી ખાણની મંજૂરી પૂર્વે સંબંધિત વિભાગ દ્વારા નક્કી કરેલી શરતો પરમિટ ધારક પૂરતા પ્રમાણમાં અમલ કરે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.