ગંભીર@સાંતલપુર: 10 ટ્રકની રોયલ્ટી સામે 50 ટ્રક ખનીજ કાઢતાં હોવાનો આક્ષેપ, ગ્રામજનોએ બતાવી ખનીજ ચોરીની પધ્ધતિ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
સાંતલપુર તાલુકામાં કરોડોની માટી ચોરીની તપાસ હજુ ચાલે છે ત્યારે વધુ એક શંકાસ્પદ ગતિવિધિ સામે આવી છે. આલુવાસ ગામ પાસે કાળા પથ્થરની પરમિટ સામે ગ્રામજનોએ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. જેમાં ખનીજની શંકાસ્પદ હેરાફેરી અને રોયલ્ટીમા કંઈક રંધાતુ હોવાની વિગતો જણાવી છે. એક ડમ્પરમા 20 ટનની મંજૂરી સામે 40 ટન ખનીજ વહન કરી જતાં હોવાનો આક્ષેપ યુવાને કરતાં હડકંપ મચી ગયો છે. જ્યાં પરમિટ છે તેની એકદમ નજીક રહેતાં ગ્રામજનોને ખેતર જવાનો રસ્તો પણ ત્યાંથી જ પસાર થતો હોઇ કથિત મોડસ ઓપરેન્ડી જણાવી હતી. આવી સ્થિતિમાં પરમિટની પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ પાસે ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ માટે ખનીજનુ ઉત્પાદન થઇ રહ્યું છે. વનવિભાગના અભિપ્રાય આધારે પાટણ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા બ્લેકસ્ટ્રેપ ખનીજની મંજૂરી અપાઇ છે. સરેરાશ 1 લાખ ટનની વધુ કાળા પથ્થરના ખનનની મંજૂરી મળ્યા ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જોકે ઉત્પાદન બાદ તેના વહન અને રોયલ્ટી બાબતે આલુવાસ ગામના લોકોએ ગંભીર અને સનસનીખેજ આક્ષેપો કર્યા છે.
જેમાં દૈનિક 10 ડમ્પરની મંજૂરી સામે 50 ડમ્પર વહન થતાં હોવાનું તેમજ 24 ટનની મર્યાદા સામે 40 ટન માલ ભરી જતાં હોવાનો આક્ષેપ ગામનાં યુવાન આહીર દિનેશ લક્ષ્મણભાઈએ લગાવ્યો છે. આ દરમ્યાન અગાઉ ખેતરોમાં જવાનો રસ્તો પરમિટને લીધે બંધ થયો, દિવસભર ધૂળ ઉડતી હોઈ ઉભા પાકને નુકસાન અને પરમિટ ફરતે સુરક્ષા ના હોવાથી અવરજવર દરમ્યાન કોઈ પડી જાય તેવી દહેશત વ્યક્ત કરી હતી.
સુત્રોએ જણાવ્યું હતું કે, ગામલોકોએ પોતાની સમસ્યા બાબતે મામલતદારને રજૂઆત કરેલી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ નહિ થયાનું કહ્યું હતું. આ બ્લેકસ્ટ્રેપ ખનીજ માટેની મંજૂરી મળી તે પહેલાં વનવિભાગે પણ કેટલીક અગત્યની બાબતો રજૂ કરેલી છે. જેમાં સાંતલપુર રેન્જના આરએફઓ દિપકભાઇએ પાટણ ડીસીએફને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, નજીક અભ્યારણ હોઇ વન્યજીવન ભયમાં મૂકાઇ શકે તેવી શક્યતાઓ છે. આથી અભિપ્રાય દરમ્યાન આ બાબતો ધ્યાનમાં લઇ શકાય તે સહિતની વિગતો લેખિતમાં જણાવી હતી.