આનંદો@રાધનપુર: PM મોદીના હસ્તે જૂના દૂરદર્શન કેન્દ્ર ખાતે FM રેડિયો સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ

 
Radhanpur FM

અટલ સમાચાર,પાટણ 

બહુજન હિતાય બહુજન સુખાય મંત્રને સાકાર કરતું નવું રેડિયો સ્ટેશન રાધનપુર ખાતે શરૂ કરાયું છે. આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાટણ જિલ્લામાં રાધનપુર સહિત 10 જગ્યાએ નવા એફ.એમ. રેડિયો સ્ટેશનના લોકાર્પણ કરાયા છે. પાટણ જિલ્લાના સરહદી વિસ્તાર રાધનપુરમાં આવેલ જૂના દૂરદર્શન કેન્દ્ર પર 100 વોટ કેપેસિટીના આકાશવાણી એફએમ ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતુ.રાધનપુર ખાતે શરૂ થયેલ એફ.એમ. સ્ટેશનથી આગામી સમયમાં અહીંથી સ્થાનિક કાર્યક્રમો પણ પ્રસારિત થશે.

મહત્વનું છે કે, નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલ મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવાના ભાગરૂપે તેમજ દેશમાં રેડિયો કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પગલા રૂપે પ્રધાનમંત્રી દ્વારા રાધનપુર સહિત 10 જગ્યાએ રેડિયો સ્ટેશન શરૂ કરાયા છે. પ્રધાનમંત્રીના દુરંદેશી પ્રયાસોથી આજરોજ સમગ્ર દેશમાં 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા પર વિશેષ ધ્યાન આપવાના ભાગરૂપે રાધનપુરમાં 100W AIR FM શરૂ કરવામાં આવ્યું છે. 

આ રેડિયો સ્ટેશન થકી 15 કિ.મી.ના વિસ્તારને કનેક્ટિવિટીથી આવરી લેવામાં આવશે અને આકાશવાણીનો મુદ્રાલેખ “બહુજન હિતાય બહુજન સુખાય” મંત્ર સાકાર થશે. હવે લોકો રેડિયો, કાર, મોબાઇલ સહિતનાં ઉપકરણો સહિત સાંભળી શકશે.સમગ્ર દેશમાં FM કનેક્ટિવિટી વધારવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. 18 રાજ્યો અને 2(બે) કેન્દ્રશાસિત પ્રદેશોના 84 જિલ્લાઓમાં કુલ 91 નવા 100 વોટના FM ટ્રાન્સમીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમાં ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, લદ્દાખ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ સામેલ છે. ઓલ ઈન્ડિયા રેડિયોની એફ.એમ. સેવાના આ વિસ્તરણ સાથે વધારાના 2 કરોડ લોકો કે જેમની પાસે માધ્યમનો ઉપયોગ ન હતો, તેમને હવે આવરી લેવામાં આવ્યાં છે. આ નવા રેડિયો સ્ટેશનનના માધ્યમથી દેશના અંદાજે 35,000ચોરસ કિલોમીટર વિસ્તારમાં રેડિયો કવરેજનું વિસ્તરણ થશે. 

રાધનપુરના શીનાડ ગામ ખાતેના આકાશવાણી એફએમ રિલે સેન્ટર ખાતે એફએમ ટ્રાન્સમીટરના ઉદઘાટન પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, આગેવાનો તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.