તપાસ@સાંતલપુર: ખનીજની મંજૂરી બાદ વન્યપ્રાણીઓ બીકમાં છે? ફોરેસ્ટ કચેરીએ રજૂ કરી હતી દહેશત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
સાંતલપુર તાલુકાના ગામ નજીક મંજૂર થયેલી ખનીજની લીઝ સામે ગામલોકોએ રજૂ કરેલી સમસ્યા બાદ વધુ વિગતોનો ઘટસ્ફોટ થયો છે. સાંતલપુર નોર્મલ રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ગત ફેબ્રુઆરી મહિનામાં લેખિતમાં વડી કચેરીને કેટલીક બાબતો આપી હતી. જેમાં લીઝ નજીક વન્યસૃષ્ટિનો વસવાટ હોઇ નકારાત્મક અસર થવાની દહેશત વ્યક્ત કરી હતી. આ સાથે વન્યજીવન ભયમાં મૂકાઇ શકે તેવી શક્યતા બતાવી હતી. હવે આવી સ્થિતિમાં લીઝની મંજૂરી બાદ કેવીરીતે ખબર પડે કે વન્યજીવન ભયમાં છે કે કેમ? શું વન્યજીવનને કોઈ અસર છે ? ભયમાં જીવી રહ્યા છે કે નહિ તેની તપાસ થઈ છે ? આ સવાલો લીઝની મંજૂરી પૂર્વે થયેલ પત્રવ્યવહારમા ફોરેસ્ટ ઓફિસર દ્વારા વ્યક્ત દહેશત/ચિંતા આધારે સામે આવ્યા છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ પાસે બ્લેકસ્ટ્રેપ ખનીજના ઉત્પાદનની મંજૂરી મળેલી છે. આથી ખનન કાર્ય બાદ ગામલોકોએ વિવિધ સમસ્યા રજૂ કરી હતી. જેમાં હવે લીઝની નજીક આવેલ જંગલ વિસ્તારમાં અસર થઈ છે કે નહિ તે બાબતો ફોરેસ્ટ અધિકારીના પત્ર દ્વારા સુચિત થઈ છે. હકીકતે લીઝની મંજૂરી દરમ્યાન વન્ય કચેરીઓ વચ્ચે થયેલા પત્રવ્યવહારમાં વન્યજીવનના અસર બાબતે દહેશત વ્યક્ત થયેલી છે. સાંતલપુર ફોરેસ્ટ રેન્જ (નોર્મલ) અધિકારી દ્વારા ગત ફેબ્રુઆરીમાં પાટણ ડીસીએફને બે પત્ર લખવામાં આવ્યા હતા.
જેમાં 9 ફેબ્રુઆરીએ લીઝની આજુબાજુના જંગલ વિસ્તારમાં ચિંકારા, ઘુડખર તથા નીલગાય તથા અન્ય વન્યજીવોનુ આવાસ સ્થાન હોઈ ધ્યાને લેવા કહ્યું હતું. આ પત્રના માત્ર 2 દિવસમાં એટલે કે 11 ફેબ્રુઆરીએ વધુ એક ચિંતાજનક વાત રજૂ કરી હતી. જેમાં માંગણીવાળી જગ્યા નજીક આલુવાસ અનામત જંગલ સર્વે નં. 151 (નવો નંબર 202) આવેલ છે. આથી ખનન દરમ્યાન ઉત્પન્ન થનાર વાયુ અને ધ્વનિ પ્રદૂષણથી વન્યજીવનને આહાર વિહાર અને વિચરણ ક્રિયામાં ખૂબ જ નકારાત્મક અસર થવાની શક્યતા બતાવી હતી. આ નકારાત્મક અસરથી વન્યજીવન ભયમાં મૂકાઇ શકે તેવી દહેશત પણ વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સાંતલપુર નોર્મલ ફોરેસ્ટ રેન્જ દ્વારા વન્યજીવન બાબતે વ્યક્ત કરેલી ચિંતા પારદર્શક વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. હવે જો ફોરેસ્ટ અધિકારીએ દહેશત વ્યક્ત કરી છે તો લીઝ શરૂ થઈ ત્યારથી આજસુધી શું વન્યજીવનને કોઈ અસર થઈ છે કે નહિ? વન્યસૃષ્ટિને નકારાત્મક અસર નથી તેવી તપાસ થઈ છે? વન્યપ્રાણીઓ અને સરિસૃપ વન્યજીવન ભયભીત છે કે નહિ? તે સહિતના તમામ સવાલો સાંતલપુર ફોરેસ્ટ અધિકારીની કચેરીના પત્ર આધારે ઉભા થયા છે.