અસર@રાધનપુર: કેટલા કૌભાંડો હશે તે ચાલું તપાસમાં જ મહિલા ચીફ ઓફિસર સસ્પેન્ડ, વધુ વિકેટ પડશે?

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
રાધનપુર નગરપાલિકાને અસર થાય તેવો હુકમ કેટલાક દિવસો પહેલાં થયો હોવાનું સામે આવ્યું છે. તત્કાલીન મહિલા ચીફ ઓફિસરને ચાલું તપાસમાં જ સસ્પેન્ડ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ખુદ સરકારે કહ્યું કે, મનસ્વી વર્તન હોઇ વિકાસનાં કામોમાં ગેરરીતિ આચરી હોઇ ખાતાકીય તપાસ પણ શરૂ કરી છે. તેમનાં રાધનપુર નગરપાલિકાના કાર્યકાળ દરમ્યાનના અનેક કામોમાં ગંભીર ગેરરીતિ આચરાઇ હોવાનું ધ્યાને લેતાં અન્ય કર્મચારીઓની જવાબદારી બાબતે સવાલો ઉભા થયા છે. સરકારને ટેન્ડરિંગ સહિતની બાબતોમાં વહીવટી અને નાણાંકીય કૌભાંડ જણાતાં હજુ વધુ કર્મચારીઓની જવાબદારી નક્કી થાય તો ચોંકાવનારી નોબત આવી શકે છે. તત્કાલીન ચીફ ઓફિસર સસ્પેન્ડ થતાં રાધનપુરના રાજકીય આલમમાં ચકચાર મચી જવા પામી છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાના વર્ષ 2019થી ઓક્ટોબર 2021ના ચીફ ઓફિસર વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ છે. વિવિધ રજૂઆતોને પગલે અને સરકારને ધ્યાને આવેલ વિષયો આધારે પ્રાથમિક તબક્કે જ ગંભીર બાબતો મળી આવી છે. જેમાં રાધનપુરના ચીફ ઓફિસર દરમ્યાન પ્રજ્ઞાબેન કોડિયાતરે વિકાસના વિવિધ કામો અને પ્રકરણોમાં ગંભીર અનિયમિતતા દાખવી હતી. ટેન્ડરિંગમા સરકારની સુચનાઓનો ભંગ કરી વહીવટી અને નાણાંકીય ગેરરીતિ આચરી હતી. ઉપરી અધિકારીની લેખિત અને મૌખિક સુચનાઓ તાક પર મૂકી તદ્દન મનસ્વી વર્તન કર્યુ હોવાનું ખુદ શહેરી વિકાસ વિભાગે કહ્યું છે. આથી ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડિયાતર વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરી તેના અધવચ્ચે જ સસ્પેન્ડ કરી દેતાં હડકંપ મચી ગયો છે. વિવિધ કામોમાં ગેરરીતિની તપાસ ચાલુ હોઇ શું અન્ય કર્મચારીઓની પણ ભૂમિકા આવશે? હજુ વધુ કાર્યવાહી આવશે?તે સહિતના સવાલ ઉભા થઇ રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર નગરપાલિકામાં ચીફ ઓફિસર હતા ત્યારે પ્રજ્ઞાબેન કોડિયાતર વિરુદ્ધ અનેકવાર સત્તાધીન નગરસેવકોની નારાજગી સામે આવતી હતી. આ સાથે નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર સમક્ષ પણ ખૂબ રજૂઆતો કરવામાં આવી હતી. કર્મચારીઓને કડક સૂચના આપી કોઈપણ કાગળ પૂછ્યા વગર ખુદ નગરસેવકોને પણ આપવા મનાઇ કરતાં હતા. કરોડોના ટેન્ડર ચોક્કસ એજન્સીના આપવા, પારદર્શક તપાસ વિના લાખોના બીલો ચૂકવી દેવા, ગમે તેને સસ્પેન્ડ કરી દેવા, સફાઇ કર્મચારીઓની ભરતી કરી કંઈક બીજી જ જવાબદારી આપવી તે સહિતના અનેક વિષયો વિવાદમાં રહ્યા હતા.