કાર્યવાહી@સુરત: દુબઈથી 4.55 કરોડનું સોનું લઈ આવેલ પરિવાર એરપોર્ટ પર જ પકડાઈ ગયો

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં સોનાની દાણચોરીની મોટી ઘટના સામે આવી છે. સુરત શહેરના એરપોર્ટ પર લવાયેલું રૂપિયા 4.55 કરોડનું સોનું કબજે કરવામાં આવ્યું છે. સુરત SOG દ્વારા દુબઈથી લવાયેલું સોનું શહેરમાં ઘૂસાડવામાં આવે તે પહેલા જ મહત્વની કાર્યવાહી કરાઈ છે. વરાછા જતા પટેલ પરિવારને ટીમે મોટા પ્રમાણમાં સોના સાથે પકડી પાડ્યો છે. હવે આ અંગે પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવશે.

આ સાથે સોનું દુબઈથી કઈ રીતે લાવવામાં આવ્યું, સુરતમાં તે કોને આપવાનું હતું તે તમામ મુદ્દે પોલીસ તપાસ કરશે. આટલા મોટા પ્રમાણમાં દુબઈથી સોનું કઈ રીતે લાવવામાં આવ્યું અને આ કામ માટે કોણ મદદ કરી હતી તે દિશામાં પણ શહેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. પકડાયેલા લોકોએ અગાઉ આવા કૃત્ય આચર્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. ઘણી વખત ફરવા જવાના બહાને આ પ્રકારના સ્મગલિંગ કરવામાં આવતા હોય છે ત્યારે પકડાયેલા શખ્સો કોના ઈશારે આ કામ કરી રહ્યા હતા તે અંગેની પૂછપરછ પણ કરવામાં આવશે.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું SOG પાસે માહિતી હતી કે, દુબઈથી સોનું લાવીને દાણચોરી કરવામાં આવી રહી છે. બાતમી મળ્યા બાદ આ મામલે પોલીસે 15 દિવસથી વોચ ગોઠવેલી હતી. વાહનચેકિંગ દરમિયાન આ ટોળકીનો ભેદ ખુલ્યો હતો અને તેમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોનાનો જથ્થો લઈને આવેલો પટેલ પરિવાર એરપોર્ટથી વરાછા જવાનો હતો, જોકે, દુબઈથી લવાયેલું સોનું શહેરમાં પહોંચે તે પહેલા જ એસઓજી મોટી કાર્યવાહી કરી છે.