સુરતઃ હજીરા સુવાલીના બીચમાં નાહવા પડેલા 5 યુવકો ડૂબ્યા, 1 યુવકનો મૃતદેહ મળ્યો

અટલ સમાચાર, ડેસ્ક
નર્મદા નદીમાં આજે માંડણ ગામે એક જ પરિવારના 5 લોકોની ડૂબવાની ઘટના બની છે. ત્યારે સુરતના હજીરા પાસે આવેલ સુવાલી બીચમાં પણ દરિયામાં નાહવા પડેલા 5 યુવકો ડૂબ્યા છે. અત્યાર સુધી ચારમાંથી એક યુવકનો જ મૃતદેહ મળ્યો છે. અન્ય ત્રણની ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
સુરતના ભટાર વિસ્તારના આઝાદ નગરના ચાર યુવકો સુવાલી બીચ પર દરિયામાં ન્હાવા ગયા હતા. દરિયામાં ન્હાવા પડેલા ચારેય યુવકો એકાએક દરિયામાં ડૂબવા લાગ્યા હતા. જોતજોતામાં ચારેય યુવકો દરિયાના ઊંડા પાણીમાં ગરક થયા હતા. જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ શરૂ કરાયુ હતું. ભારે શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સાગર સાહેબ રાવ સળવે (ઉંમર - 26 વર્ષ) નામના યુવકનો મૃતદેહ મોડી સાંજે દરિયામાંથી મળી આવ્યો હતો. સાગર મૂળ મહારાષ્ટ્રના શિવપુરનો વતની છે, બે દિવસ પેહલા જ સુરત આવ્યો હતો. નાના ભાઈની સગાઈ હોવાથી તે સુરત આવ્યો હતો, અને ભટાર વિસ્તારમાં રોકાયો હતો.
ફાયર વિભાગ દ્વારા અન્ય ત્રણ યુવકોની શોધખો ચાલુ છે. જેઓ હજી લાપતા છે. તો બીજી તરફ ઈચ્છાપુરનો પણ એક યુવક દરિયાના પાણીમાં ડુબ્યો હતો, તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રવિવાર હોવાને કારણે તથા ગરમીની મોસમ હોવાને કારણે રાજ્યભરના દરિયા અને નદી કાંઠે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં સુરતીઓ દરિયા કિનારે નાહવા જતા હોય છે. રવિવારે સુંવાલી કાંઠે મોટી સંખ્યામાં ભીડ હતી. જેમાં 5 જેટલા યુવકો દરિયામાં ડૂબી જવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો.
તો બીજી તરફ ડુમસ બીચ પર પ્રતિબંધ હોવા છતાં દરિયામાં વારંવાર કાર ડૂબવાના કિસ્સા બની રહ્યાં છે. જેને પગલે ડુમસ પોલીસે બીચ પર કાર લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોની સુરક્ષા માટે આ નિર્યણ લેવાયો છે. તેથી પોલીસે જાહેરાત કરી કે, હવેથી જો કોઈ બીચ પર કાર લઈ જશે તો પોલીસ દંડાત્મક કાર્યવાહી કરશે. ડુમસ બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવે છે. અચાનક પાણી આવી જતા કાર ફસાઈ જવાની ઘટના બને છે. અત્યાર સુધી અંદાજે 10 કાર ભરતીના પાણીમાં ફસાઈ ચૂકી છે.