રીપોર્ટ@સુરત: કોરોના કેસો ઘટ્યાં, વતન ગયેલા મજૂરોને સુરતના વેપારીઓએ પાછા બોલાવ્યાં
રીપોર્ટ@સુરત: કોરોના કેસો ઘટ્યાં, વતન ગયેલા મજૂરોને સુરતના વેપારીઓએ પાછા બોલાવ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાની બીજી લહેરમાં સુરતની સ્થિતિ ચિંતાજનક બની હતી. ઉદ્યોગ ધંધા ઉપર તેની માઠી અસર પડી હતી. ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો લોકડાઉનના ભયથી પોતાના વતન ચાલ્યા ગયા હતા. હાલ સુરતની કોરોનાની સ્થિતિ સુધારા પર છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં ડિમાન્ડ વધતા હવે ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશન શ્રમિકોને ફરીથી સુરત આવવા માટે અપીલ કરી રહ્યા છે.

 

સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગના અલગ-અલગ ભાગમાં આશરે 10 લાખથી વધુ શ્રમિકો અન્ય રાજ્યોથી આવીને રોજગારી મેળવે છે. પરંતુ શહેરમાં જ્યારે કોરોનાની સ્થિતિ વિકટ બની ત્યારે લોકડાઉનમાં લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા હતા. દેશભરમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતા કાપડની માંગમાં ભારે ઘટાડો પણ જોવા મળ્યો હતો. પરંતુ દેશભરમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ આવતા ફરીથી કાપડની માંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેથી ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશન ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સાના શ્રમિકોને ફોન કોલ કરી અથવા તો મેસેજ મોકલીને પરત સુરત આવવા માટેની અપીલ કરી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાની સ્થિતિ પર કાબૂમાં આવતા ફરીથી કાપડ ઉદ્યોગમાં માંગ વધી છે. દક્ષિણ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં હાલ કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ, ટેક્સટાઇલ મિલો, એમ્બ્રોઇડરી કારખાના અને વિવીંગ ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે શરૂ થવા લાગી છે. જેથી કામ પણ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જે પણ કામદાર છે ભલે તેઓ ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને બિહારના પરપ્રાંતીય શ્રમિકોને હું ફરી સુરત આવવા માટે અપીલ કરું છું.