સુરતઃ સિવિલ હૉસ્પિટલની ઘોર બેદરકારી, કોરોનાનો દર્દી ભાગી જતાં દોડાદોડી
સુરતઃ સિવિલ હૉસ્પિટલની ઘોર બેદરકારી, કોરોનાનો દર્દી ભાગી જતાં દોડાદોડી

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ દરમિયાન દિવસે કોરોના પોઝિટિવ દર્દી હૉસ્પિટલ માંથી ફરાર થઈ જતાં દોડાદોડી થઈ ગઈ છે. દર્દી ફરાર થયાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે, મોડી રાત સુધી દર્દીની કોઈ જ ભાળ મળી ન હતી. મળતી માહિતી પ્રમાણે દર્દી કોઈને જાણ કર્યા વગર જ ક્યાંક ચાલ્યો ગયો છે. ફરાર થનાર દર્દીનું નામ ભગવાન રાણા છે, જેમની ઉંમર 50 વર્ષ છે. ભગવાન રાણા રેડઝોનમાં આવેલા માનદરવાજા ખાતે રહેતા હતા. નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ સિવિલના આઈસોલેશન વોર્ડ માંથી એક દર્દી ભાગી ગયો હતો. જોકે, આ દર્દી થોડા સમય બાદ સામેથી હાજર થઈ ગયો હતો. હવે ફરીથી આવો જ બનાવ બન્યો છે, જેમાં કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આઈસોલેશનમાંથી દર્દી ભાગી ગયો છે. આમ સિવિલ હૉસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે દર્દી સવારે 11 વાગ્યાની આસપાસ ભાગ્યો હતો. જે બાદમાં સિવિલ તરફથી પોલીસને જાણ કરવામાં આવી હતી. દર્દી તેના ઘરે ગયાની આશંકામાં પોલીસ તેના ઘરે દોડી ગઈ હતી પરંતુ તે ત્યાં મળ્યો ન હતો. જે બાદમાં પોલીસે આખો દિવસ તેની શોધખોળ કરી હતી પરંતુ મોડી રાત સુધી દર્દીનો કોઈ પતો લાગ્યો ન હતો.

પોઝિટિવ દર્દી ભાગી ગયા બાદ સિવિલ હૉસ્પિટલ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે કોરોના પોઝિટિવ દર્દીઓ વોર્ડમાંથી બહાર નીકળી જાય ત્યાં સુધી કોઈને જાણ ન થાય તેવું કેવી રીતે બની શકે? બે દિવસ પહેલા જ આવો બનાવ બન્યો હતો ત્યારે શા માટે એવા પગલાં ન લેવામાં આવ્યા જેનાથી સારવાર માટે દાખલ દર્દીઓ બહાર ન જઈ શકે.

સિવિલના વોર્ડમાંથી ભાગી ગયેલી દર્દી કોરોના પોઝિટિવ હોવાથી તે બહાર અનેક લોકોને ચેપ લગાડી શકે છે. દર્દી ભાગીને ઘરે નથી ગયો એટલે તે તેના કોઈ પરિચિત કે અન્ય સ્થળે છૂપાયો હોઈ શકે છે. સલામતીના ભાગરૂપે જે પણ લોકોને આ વ્યક્તિ વિશે ભાળ મળે તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. કારણ કે કોરોનાને નાબૂદ કરવા માટે તેનું સંક્રમણ ફેલાતું અટકાવવું એ એક માત્ર ઉપાય છે.