તપાસ@વડોદરા: 2 કરોડના બાંકડા ખરીદતાં પહેલાં પારદર્શકતા ક્યાં? જરૂરિયાતની ખરાઇ ના થતી હોવાનો ઘટસ્ફોટ

 
Vadodra

અટલ સમાચાર ડોટ કોમ, વડોદરા

વડોદરા શહેરમાં 2 કરોડથી વધુના બાંકડા ખરીદવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની હિલચાલ પગલે અનેક બાબતે ક્ષતિ મળી આવી છે. કાઉન્સિલર ઓર્ડર કરી દે, કે ફલાણી જગ્યાએ ફલાણી સંખ્યામાં બાંકડા ફાળવી દો. આ ઓર્ડર બાદ સંબંધિત ઈજનેરો પોતાના ઝોનના વડા સમક્ષ માંગણી મૂકી દે છે. લેટરપેડ ઉપર લેટર કરીને ટેન્ડર અધિકારી સમક્ષ રજૂ કરી દેવામાં આવે છે. હકીકતે જે તે જગ્યાએ ખરેખર બાંકડા જરૂર છે કે નહિ અથવા જરૂર છે તો ખરેખર કેટલા જરૂર છે અથવા અગાઉ ફાળવેલા છે તો ફરીથી જરૂર છે કે નહિ ? આ તમામ બાબતો ઉપર ગ્રાઉન્ડ ઉપરનો તલસ્પર્શી અભ્યાસ/તપાસ કરાવ્યા વગર બાંકડા ખરીદવાની દોડધામ મચી છે. બાંકડા ખરીદવામાં પારદર્શકતા બાબતે ઝોનનાં એન્જિનિયરને પૂછતાં જણાવ્યું હતું કે, આવી કોઈ જોગવાઈ નથી અને આ પોલીસી મેટર છે. વધુમાં ટેન્ડર પાડતાં ઈજનેરને પૂછતાં જણાવ્યું હતું કે, ઝોનનાં એન્જિનિયરનો ખાલી એક લેટર મળે છે. જાણીએ સમગ્ર અહેવાલ.

Vadodara

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંકડા ખરીદવાની દોડધામ કેમ અને ખાસ તો ચૂંટણી ટાણે કેમ ? આ બાબતે અભ્યાસ કરતાં તદ્દન નવા વિષયનો ઘટસ્ફોટ થયો છે. સૌપ્રથમ જાણીએ બાંકડા ખરીદવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર કામગીરી. વડોદરા શહેરમાં જનતાની સુવિધા માટે જાહેર જગ્યાએ, સોસાયટી, મહોલ્લા, બાગબગીચા સહિતના સ્થળોએ બાકડા મૂકવાનું આયોજન થયું છે. આ વિસ્તારોમાં આરસીસી બાંકડા મુકવા ઇજારદાર પાસે ભાવપત્રકો મંગાવવામાં આવ્યા હતા. ઓછો ભાવ ભરનાર ઇજારદારનું પ્રતિ નંગ રૂ.3640ના યુનિટ ભાવ પત્ર સામે નેટ અંદાજિત 2830 હોઇ અંદાજિત રકમથી 28.61 ટકા વધુ ભાવપત્ર આવ્યું હતું. આવી સ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ભાવ ઘટાડવાનું કહેતા પ્રતિ નંગ 3366 મુજબના ભાવે કામગીરી કરવા તૈયારી બતાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હવે આ ખરીદી હકીકતમાં જરૂરી છે અને માંગણી રજૂ થઇ તેની સાથે તપાસ અહેવાલ મોકલવામાં આવ્યો હતો? તો જવાબ છે ના.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ એક વાર્ષિક માંગણી માટે ટેન્ડર થાય છે અને જ્યારે ખરીદી કરવાની હોય ત્યારે ટેન્ડર બહાર પડે છે. હવે સવાલ એ છે કે, ટેન્ડર બહાર પાડતાં પહેલાં જે માંગણી ઝોનમાંથી આવે છે તે ઝોનનાં એન્જિનિયરો સ્થળ તપાસ કરાવતાં નથી. આ બાબતે ઝોનનાં એક્ઝિક્યુટિવ ઈજનેર પરેશ પટેલે જણાવ્યું હતું કે, કાઉન્સિલર દ્વારા માંગણી આવે એટલે ઉપર મોકલી આપીએ છીએ, બીજું કે સ્થળ ઉપર કોઈ ખરાઇ કરવામાં આવતી નથી. આ પછી ટેન્ડર બહાર પાડનાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમે માત્ર ટેન્ડર બહાર પાડવાનું અને ભાવ નક્કી કરવાનું કામ કરીએ છીએ. ઝોનમાંથી માંગણીનો એક કાગળ આવે એટલે અમે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીએ છીએ. આ પછી બીજો સવાલ કર્યો કે, કાગળ સાથે બાંકડાની માંગણી ઉભી થવા સંબંધિત ખરાઇ કરતાં કાગળો હોય છે તો ના જવાબમાં ના પાડી અને અંતે સ્વિકાર્યું કે, અમે જાણ કરીશું.