અકસ્માત@વડોદરાઃ એક ટ્રકમાં બીજી ટ્રક ઘૂસી ગઈ, કેબિનમાં બેઠેલા ક્લિનરનું માથું ધડથી અલગ થઈ ગયું

અટલ સમાચાર, ડેસ્ક
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે 48 ઉપર મોડી રાત્રે ઉભેલી ટ્રક અને પસાર થઈ રહેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પસાર થઈ રહેલી ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કેબિનમાં બેસેલ ક્લિનરનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. ફાયર બ્રિગેડ દ્વારા કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. નોંધનીય છે કે, અકસ્માત ઝોન તરીકે ઓળખાતી દેણા ચોકડીની રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીએ મુલાકાત લીધી હતી.
મળેલી માહિતી પ્રમાણે સુરત સચિન જીઆઈડીસીમાં આવેલ અનુપમા કંપનીમાંથી નૂર મહંમદ કુરેશી (રહે.યુ.પી.) અને ક્લીનર ફરહાન (રહે. યુ.પી) ટ્રકમાં માલસામાન ભરીને બિહાર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નજીક નેશનલ હાઇવે 48 ઉપર દેણા ચોકડી પાસે ટ્રક બગડતા રોડની સાઇડ પર પાર્ક કરી દીધી હતી. દરમિયાન પસાર થઈ રહેલી હરિયાણાની ટ્રક બિહાર જતા ઊભેલી ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ હતી. જેમાં હરિયાણાની ટ્રકના કેબીનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કચ્ચરઘાણ વધી ગયેલ કેબિનમાં સવાર ટ્રક ક્લીનર ફસાઈ ગયો હતો. અને તેનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. આ અકસ્માતની જાણ ફાયર બ્રિગેડને થતાં દોડી આવ્યા હતા. અને કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. અકસ્માત સર્જાતા ટ્રકનો ચાલક ફરાર થઇ ગયો હતો.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
બનાવની જાણ હરણી પોલીસને થતા તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મોતને ભેટેલા 50 વર્ષિય પ્રતાપસિંહ મોહનસિંહ ધરાડી (રહે. કુડ પૌધર ગામ, ઉત્તરાખંડનો) હોવાનું બહાર આવ્યું હતું. હરણી પોલીસે આ બનાવ અંગે બિહાર જતી ટ્રકના ચાલક નૂરમહમદ કુરેશીની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા હરીયાણાની ટ્રકના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે હાઈવે ઉપર ટ્રાફિક વ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો.