ઘરેલું હિંસા: વડોદરામાં પ્રેમલગ્નના બીજા દિવસથી પરણિતાને સાસરિયાએ ત્રાસ આપવાનો શરૂ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક
પ્રેમ લગ્નના બીજા દિવસથી જ સાસરિયાઓએ શરૂ કરેલા અમાનુષી અત્યાચારથી ત્રસ્ત પરિણીતાએ સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, સાસરિયાઓ રવિવારે માથા ઉપરથી કાળુ કપડું, શ્રીફળ અને અડદના દાણા ફેરવી મેલીવિદ્યા કરતા હતા.પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, વડોદરા શહેરના ન્યુ સમા રોડ ઉપર રહેતી સંગીતાબેને ( નામ બદલ્યું છે ) વર્ષ 2016 દરમિયાન સોસાયટીમાં રહેતા ધવલ સાથે પ્રેમ સંબંધ પાંગરતા સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
લગ્નના બીજા દિવસથી જ સાસરિયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પથારીવશ સસરાની સેવા ચાકરી પણ સંગીતાને કરવી પડતી હતી. જ્યારે જેઠાણી આરામ કરી મેળાટોણા મારતી હતી. સંગીતાબેન ભણેલા-ગણેલા હોવા છતાં તેમના પતિ જણાવતા હતા કે, તારા સર્ટિફિકેટની કોઈ વેલ્યુ નથી તારે ટોયલેટ અને બાથરૂમ સાફ કરવાના છે.ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, સાસરિયાઓ જમવા બાબતે પણ કચાસ રાખી થોડું થોડું જમવા આપતા હતા. જેથી સંગીતાબેનના શરીરમાં વિકનેસ આવી ગઈ હતી.
આ ઉપરાંત રવિવારે માથા ઉપરથી કાળુ કપડું, શ્રીફળ અને અડદના દાણા ફેરવી ઉતારો કરતા હતા. સંતાનમાં માત્ર દીકરો હોવો જોઈએ તેવી આશાએ બેસેલા સાસરિયાઓએ દીકરી થતાં તેની ઉપર પણ ત્રાસ ગુજાર્યો હતો. સાસરિયાઓએ દહેજની માંગણી કરતા પિયરમાંથી સાત લાખ રૂપિયા લઇ આપ્યા હતા. તેમ છતાં તેમની દહેજની ભૂખ સંતોષાતી ન હતી. જેઠ પણ કેટલીકવાર હાથ ઉપાડી દેતો હતો. પરિણીતાની ફરિયાદના આધારે મહિલા પોલીસે સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.