વડોદરાઃ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મિત્રના ફ્લેટના પાંચમાં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી મયુર શીર્ષદે મિત્રના એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવમાં મિત્રના ઘરે આવી આપઘાત કરનાર સ્ટુડન્ટે કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય છે. આ બનાવ અંગે ગોત્રી પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી 798, ગોકુળનગરમાં મયુર ક્રિષ્ણા શીર્ષદ રહે છે. બુધવારે મોડી સાંજે તે ગોત્રી રોડ ઉપર આવેલા શિવાલય હાઇટ્સમાં રહેતા મિત્રને મળવા માટે આવ્યો હતો અને તે મિત્રને મળે તે પહેલાં શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સાંજે 7 વાગ્યાના સુમારે પાર્કિંગમાં પડવાનો અવાજ આવતા જ બિલ્ડિંગમાં રહેતા મયુરના મિત્ર પરિવાર સહિત બિલ્ડિંગના રહીશો દોડી આવ્યા હતા.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, શિવાલય હાઇટ્ર્સના પાંચમાં માળેથી મયુર શીર્ષદે પડતું મૂકતાની સાથે જ તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. વિસ્તારમાં ચકચાર મચાવી મુકનાર આ બનાવની જાણ મયુરના પરિવારજનોને કરવામાં આવતા તુરંત જ તેઓ દોડી આવ્યા હતા. જ્યાં માતા તેમજ ભાઇ-બહેનના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. તે સાથે આ બનાવની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ રતિલાલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર હતો અને તેનો ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો અને બપોર બાદ તે ટ્યુસન ક્લાસમાં પણ જતો હતો. છેલ્લે 6 વાગ્યા સુધી તેને મિત્રો સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી હતી.