આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

વિજ્ઞાનમાં અદ્વિતિય સિદ્ધિ હાંસલ કરનાર હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ ગુજરાતી હતા . આ બંનેનું પ્રદાન અવકાશવિજ્ઞાન ક્ષેત્રે વિશાળ રહ્યું છે . જીવનના પાંચ જ દાયકામાં તેમણે કરેલું કામ ન ભૂતો ન ભવિષ્યતિ જેવું ભાસે છે.

સારાભાઈ પરિવાર ગુજરાત ઉદ્યોગજગતનું અગ્રગણ્ય નામ રહ્યું છે. ‘સારાભાઈ ગ્રૂપ્સ ઓફ કંપનીઝ ‘ની સ્થાપના આ જ પરિવાર દ્વારા થઈ અને આ પરિવારની પેઢીનો નજીકનો ઇતિહાસ જોઈએ તો તેમાં મગનલાલ કરમચંદ સારાભાઈ આવે, જેમનાં પત્નીનું નામ ગોદાવરીબા હતું. આ દંપતીનાં પુત્ર એટલે અંબાલાલ સારાભાઈ, જેઓએ આઝાદીના ચળવળમાં સામેલ થયા અને ગાંધીજીનાં ખૂબ નજીક પણ રહ્યાં. ઉદ્યોગસાહસિકતા સાથે દેશમાં સમાજકાર્ય આ પરિવારની ભૂમિકા અગત્યની રહી છે.

અંબાલાલ સારાભાઈએ સમાજની આ ભૂમિકા અદા કરી સાથે-સાથે બાળકોની કેળવણી કેવી રીતે થવી જોઈએ તે અંગે સમય કરતાં આગળ વિચાર્યું. માત્ર વિચાર્યું નહીં તેનો અમલ કરાવીને બાળકોને શ્રેષ્ઠ કેળવણી આપી. આનો લાભ દીકરા વિક્રમ અને તેમનાં ભાઈ-બહેનોને મળ્યો. તેમાં પણ વિક્રમની ઉડાન તો યુવાનીકાળથી જ અવકાશે પહોંચી. દેશની અવકાશીસફરમાં ચુનિંદા લોકોમાં વિક્રમ સારાભાઈ અગ્રહરોળનું નામ છે, જે કારણે જ આજે વિશ્વમાં ભારત અવકાશક્ષેત્રે ડંકો વગાડી રહ્યું છે. તે વખતે વિક્રમ સારાભાઈએ પાયો ચણી આપ્યો તેના પર જ આજે ભારતીય અવકાશની ઇમારત ચણાઈ રહી છે અને ચંદ્રાયાન-2 જેવાં સફળ મિશન પાર પડ્યાં. વિક્રમ સારાભાઈએ આપેલાં પ્રદાનની ઉડાન જેમ અવકાશમાં દેખા દે છે, તે રીતે જમીની સ્તરે પણ તેમણે સ્થાપેલી વિવિધ ક્ષેત્રની સંસ્થાઓ આજે અસંખ્ય વિદ્યાર્થીઓ-લોકોના દુનિયાને ઉઘાડ આપે છે.

12, ઓગષ્ટ 1919ના દિવસે જન્મેલા વિક્રમને આમ બાળપણથી જ શ્રેષ્ઠ કેળવણી મળી અને આ મહોલમાં તેમની પ્રતિભા વધુ ખીલી. આ સાથે અલગ-અલગ રાજ્યોમાં પ્રવાસ કરવો અને પરિવારના મિત્રમંડળીમાં ગાંધીજી, ટાગોર, સી.વી. રમન, દાદાસાહેબ માવલંકર, સરોજિની નાયડુ, મોહમ્મદ અલી જિન્નાહ, એસ. રાધાક્રિષ્નન જેવાં નામો હતાં, એટલે વિક્રમને ઓર એક્સ્પોઝર મળ્યું. ઘરે મળેલાં શિક્ષણ બાદ તેમણે આર. સી. હાઈસ્કૂલમાંથી મેટ્રિક્યુલેશનની પરિક્ષા આપી અને ત્યાર બાદ તે સમયની વિખ્યાત ગુજરાત કોલેજમાં એડમિશન મેળવ્યું. અહીંયા તેમણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષયમાં ઉંચા ગુણ મેળવ્યા અને પછીનું શિક્ષણ લેવાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે તેમનો ભલામણપત્ર રવિન્દ્રનાથ ટાગોરે લખ્યો હતો! વિક્રમ જ્યારે લંડનમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે તે કાળમાં ઇન્દિરા ગાંધી પણ ત્યાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લઈ રહ્યાં હતાં. પછીથી આ બંને પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચત્તમ પદે બિરાજીને દેશમાં મળે છે તેવાં યોગ પણ બન્યાં. જોકે, બીજા વિશ્વયુદ્ધના ભણકારાં વાગતા જ પિતા અંબાલાલ વિક્રમને સ્વદેશ બોલવી લે છે, પણ અહીંયા તેમનું શિક્ષણ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ ‘, બેંગ્લોર ખાતે નોબલ સન્માનિત સર સી. વી. રમનના વડપણ હેઠળ થાય છે. તેઓ અહીંયા ‘કોસ્મિક રે ‘(એટલે અંતરિક્ષમાંથી સતત પૃથ્વી પર આવતો શક્તિશાળી કણોનો પ્રવાહ)નો અભ્યાસ કરે છે અને આગળ જતાં આ જ વિષયને આવરીને ‘કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન્સ ઇન ટ્રોપિકલ લેટિટ્યુટ ‘માં પોતાનું પીએચ.ડી પૂર્ણ કરે છે.

તેમનો પીએચ.ડીનો થિસીસ 1945માં પૂર્ણ થાય છે, પણ તેમનો પ્રાયોગિક અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે. આ અભ્યાસમાં પરિવારના ઉદ્યોગ હતા અને સાથે પોતાના શિક્ષણમાં આગળ વધવાનું ઝનૂન પણ હતું. આ જ કારણે પરિવારના ઉદ્યોગોને વિસ્તારવાનું અને સાથે સાથે આઝાદ થયેલાં દેશમાં સપનાઓ પરોવવાનું કાર્ય એક સાથે વિક્રમ સારાભાઈએ હાથ ધર્યું. જેના જ પરિણામે ‘અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોશિએશન ‘(અટીરા), જેવાં સંસ્થાનો પાયો નંખાયો. ત્યાર બાદ ‘ફિઝિકલ રિસર્ચ લેબોરટરી ‘નો પણ આરંભ થયો. ‘અમદાવાદ મેનેજેમેન્ટ એશોશિએશન ‘ નામે અમદાવાદને જગવિખ્યાત સંસ્થા મળી. અમદાવાદમાં આ પ્રકારની મેનેજમેન્ટ સંસ્થા હોવી જોઈએ તે માટે વિક્રમભાઈએ પોતાની નજર છેક હાર્વર્ડ યુનિવર્સિટી સુધી દોડાવી હતી અને તે જ દર્જ પર આ સંસ્થાના પાયા નંખાયા!! આ પછી તેમનું યોગદાન ગુજરાતમાં ઘણી સંસ્થાઓ સ્થાપવામાં રહ્યું હતુ.

drda inside meter add

અહીંયા સુધીનું વિક્રમ સારાભાઈનું જીવન એક ઉદ્યોગ સાહસિક તરીકે ઉભરે છે, પણ તેમનાં જીવનનાં બે દાયકામાં એટલે કે તેમની ઉંમરની ત્રીસી વટાવ્યા પછી જ્યાં પહોંચે છે; ત્યાં અગાઉ કોઈ ભારતીય પહોંચ્યો નહોતો. આઝાદ હિંદુસ્તાનમાં તો હજુ પાયાની બાબતો સમુસુતરું કરવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે વિક્રમ અને હોમી ભાભા જેવાંની નજર અવકાશે પહોંચી અને તે માટે તેમણે તૈયારી આરંભી. વિશેષતા એ હતી કે તે કાળના નેહરુ અને સરદાર જેવાં રાજકીય નેતાઓએ તેને પ્રાથમિકતા આપીને કામને આગળ ધપાવ્યું. તે કાળે નેહરુજીએ એવું નિવેદન પણ આપ્યું હતું કે, ‘વિજ્ઞાન એક માત્ર ભૂખમરા અને ગરીબીના પ્રશ્નને હલ કરી શકે છે.’

વિક્રમ સારાભાઈને ‘ ફાધર ઓફ સ્પેસ પ્રોગ્રામ’ એવું બિરુદ મળ્યું છે, તેમાં તેઓને સાથ મળ્યો સર હોમી ભાભાનો. આ વિશે તેમના જ અનુગામી ડો. એમ. જી. કે. મેનને બંનેના વ્યક્તિત્વને ઓળખીને સરસ કહ્યું છે :’વિજ્ઞાનને વિકસાવવામાં આ બંનેનો ફાળો અદ્વિતિય રહ્યો છે . તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના તાકાતને જાણતાં હતાં અને સામાજિક પરિવર્તન અર્થે તેનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ તે માટે પ્રતિબદ્ધ હતા.’

તે કાળના આગેવાનોમાં વિજ્ઞાનને વિકસાવવામાં રાજકીય ઇચ્છાશક્તિ હતી અને તેના તર્જ પર તેઓને એવાં પ્રતિભાશાળી વિજ્ઞાની પણ મળ્યા, જે તે સમયના અવકાશયુગીન દેશો અમેરિકા-રશિયાની સાથે સાથે ચાલી રહ્યા હતા. હોમી ભાભાએ તો ન્યૂક્લિઅર રિસર્ચનું કામ તો અમેરિકા કરતાં અગાઉ શરૂ કર્યું હતું. અમેરિકાએ ત્યાર બાદ ન્યૂક્લિઅર બોમ્બનું ટેસ્ટિંગ કર્યું હતું! આવી તો અનેક આશ્ચર્યચકીત કરનારી વાતો હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ સાથે જોડાયેલી છે. આ રીતે ધીરે ધીરે આરંભાયેલી અવકાશી પ્રવૃત્તિ આઝાદી બાદ તેનો ભવિષ્ય ખૂબ ઉજળું ભાસવા લાગ્યું. ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ‘(ઇસરો)ની સ્થાપના થઈ અને ત્યાર બાદ તેને અત્યાધુનિક રૂપ 1969માં વિક્રમ સારાભાઈએ જ આપ્યું. તે સમયે દુનિયા સાથે પરસ્પર અવકાશી ટેક્નોલોજીનું આદાનપ્રદાન થાય તે માટે વિક્રમ સારાભાઈએ એવાં પ્રોગ્રામ ઘડી કાઢ્યા જેનાથી ભારતીય વિજ્ઞાનીઓની ટ્રેઇનિંગ રશિયા, અમેરિકા, ફ્રાન્સ જેવા દેશા સાથે થતી રહી. તેમના જ કાર્યકાળ દરમિયાન ભારત રોકેટ પ્રોગ્રામ ડેવલપ કરી શક્યું. આ ટેકનોલોજીમાં ભારત આજે અનેક તબક્કા સર કરીને અગ્રહરોળમાં છે. વિક્રમ સારાભાઈનો અવકાશી હિસ્સો હજુ પણ લંબાય એવો છે, પણ તેની મુખ્યત્વે વિગત એટલી જ કે સ્પેસમાં વિજ્ઞાન કેવી રીતે કામ કરી શકે તે સપનું તેઓ બતાવી શક્યા અને સરકારને સાથે લઈને તેને સાકાર કરી બતાવ્યું. ભારતના પ્રથમ સેટેલાઈટ ‘આર્યભટ્ટ’ને લોન્ચ કરવાનું આયોજન તેમણે જ કર્યું હતું. ઇવન, ટેલિવિઝન થકી શિક્ષણ મળે તે માટેનો પ્રયોગ પણ તેમનાં જ હતા. ભારત આજે એક પછી એક અવકાશી ઉડાન ભરી રહ્યું છે તેનો ખૂબ મોટો શ્રેય વિક્રમ સારાભાઈને આપવો રહ્યો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code