સ્પેશ્યલઃ આજે વિશ્વ ફુડ સેફ્ટી ડે, તમારે સ્વસ્થ રહેવું હોય તો ખોરાક સાથે સંબંધિત આ નિયમોનું પાલન કરો

જ્યારે પણ તમે ખોરાક તૈયાર કરો ત્યારે તમારા હાથને સારી રીતે ધોઈ લો, તેમજ શાકભાજી વગેરેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. તે પછી જ ઉપયોગ કરો.
 
ફૂડ

અટલ સમાચાર, ડેસ્ક


આજે 7મી જૂને ચોથો વિશ્વ ફુડ સેફ્ટી ડે (World Food Safety Day) અને સલામતી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વર્ષ 2019 માં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના સહયોગથી પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેનો હેતુ લોકોને દૂષિત ખોરાક અને તેનાથી થતા રોગો વિશે જાગૃત કરવાનો છે.

WHO
મુજબ, દૂષિત ખોરાકને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે અને મોટી સંખ્યામાં લોકો બીમાર પડે છે. 5 વર્ષથી નાના બાળકો સૌથી વધુ જોખમમાં છે. લોકોને હેલ્ધી અને હાઈજેનિક ફૂડ વિશે જાગૃત કરવા માટે આ વર્ષે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે 2022 ની થીમ ‘સેફ ફૂડ, બેટર હેલ્થ’ રાખવામાં આવી છે. ચાલો આ અવસર પર તમને જણાવીએ કે સુરક્ષિત અને સ્વસ્થ જીવન માટે ખાવાના કયા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ખોરાક અંગે નિયમો

જ્યારે પણ તમે ખોરાક તૈયાર કરો ત્યારે તમારા હાથને સારી રીતે ધોઈ લો, તેમજ શાકભાજી વગેરેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. તે પછી જ ઉપયોગ કરો.

રસોઈ માટે સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો. આ ઉપરાંત, ક્યારેય પણ ઓછો રાંધેલો ખોરાક ન ખાવો, યોગ્ય રીતે રાંધ્યા પછી જ ખાઓ.

ખોરાક લેતા પહેલા, તમારા હાથ અને પગને સારી રીતે ધોવા જોઈએ. આ સાથે આપણે કોગળા પણ કરવા જોઈએ, જેથી બેક્ટેરિયા કોઈપણ રીતે આપણા પેટની અંદર ન જાય.

ડાઇનિંગ ટેબલ પર ભોજન લેવાને બદલે, નીચે બેસીને ભોજન લો. જમતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખો.તેનાથી સકારાત્મક ઉર્જાનું સંચાર થશે.

એકબીજાનો બચેલો ખોરાક ક્યારેય ન ખાવો. નવ કલાકથી વધુ વાસી ખોરાક ન લેવો જોઈએ. હંમેશા તાજો ખોરાક ખાવાનો પ્રયત્ન કરો. તેમજ પીવા માટે સ્વચ્છ પાણીનો પણ ઉપયોગ કરો.

ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ અને ભોજન વચ્ચે પાણી પીવું જોઈએ નહીં. જો જરૂરી હોય તો, તમે પાણીની એક ચુસ્કી પી શકો છો. આ સિવાય જમ્યા પછી તરત જ ભારે કસરત પણ ન કરવી જોઈએ.

બહારનો ખોરાક ખાવાનું ટાળો, કારણ કે તમને ખબર નથી કે બહારના ખોરાકમાં કેવા તેલ, મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણે બીમાર પડવાની શક્યતાઓ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી