ઉત્સવ@સાંતલપુર: આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમી પૂર્વે બાળકો બન્યા નટખટ કાન્હા, કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સાંતલપુર તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં આજે એકસાથે જન્માષ્ટમી પર્વ નિમિત્તે બાળકોએ ઉત્સાહભેર ઉમંગભેર ઉજવણી કરી હતી. આંગણવાડી કેન્દ્રોના બાળકોને કૃષ્ણ રાધા અને ગોપીઓ બનાવવામાં આવ્યા હતા. તમામ આંગણવાડી કેન્દ્રોમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી સહિતના નારા લાગ્યા હતા. વાઘા પહેરી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો ત્યારે બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આગણવાડી કેન્દ્રોમાં આવતાં બાળકો તથા ગ્રામજનોમાં આજે ધાર્મિક અને શ્રદ્ધાનો માહોલ બન્યો હતો. મોટી સંખ્યામાં આવેલા વાલીગણ, આંગણવાડી કેન્દ્રના બાળકો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર રીતે કૃષ્ણભક્તિની ઉજવણી થઈ હતી.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં આજે કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઘટકની મુખ્ય સેવિકા બહેનો, સાંતલપુર ઘટકના સીડીપીઓ સહિતનાની ઉપસ્થિતિ રહી હતી. સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમની ઉજવણી માટે વહેલી સવારથી જ બહેનો અને બાળકો તૈયારીમાં લાગી ગયા હતા. ખાસ કરીને બાળકોને કૃષ્ણ રાધા અને ગોપીઓના વાઘા પહેરાવી તૈયાર કરતાં કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય બન્યો હતો. સમગ્ર કાર્યક્રમ માટે છેલ્લા ઘણા દિવસોથી આઇસીડીએસનો સ્ટાફે તડામાર તૈયારીઓ કરી હતી.