જન્માષ્ટમી@રાધનપુર: આંગણવાડી કેન્દ્રોમાં બાળકો બન્યા કૃષ્ણઘેલા, ગામલોકોની હાજરીમાં કનૈયાનો જન્મોત્સવ ઉજવાયો

 
Image
બાળકોના મનોરમ્ય હાવભાવ જોઈ વાલીગણ સહિતના આનંદિત થયા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

રાધનપુર ઘટકમાં આવતી જોરાવરગંજ સહિતની આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહિં બાળકોના રાધા-કૃષ્ણ રૂપે સજાવ્યા ત્યારે માહોલ કૃષ્ણમય બન્યો હતો. બાળ ગોપાલના મનોરમ્ય સ્વરૂપ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. ગોકુળ આઠમનો તહેવાર આંગણવાડી કેન્દ્રોના સંચાલક સહિતના સ્ટાફ દ્વારા સાંસ્કૃતિક માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના આમ તો તમામ આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમી તહેવાર ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાયો હતો. નાનાં બાળકોને રાધા, કૃષ્ણ અને ગોપીઓના પરંપરાગત વેશમાં સજાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન “નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયાલાલ કી” હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી જેવા નારા ગુંજતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતુ. જન્માષ્ટમી એટલે ભગવાનશ્રી કૃષ્ણનો જન્મોત્સવ. આ તહેવારની ઉજવણી આંગણવાડી કેન્દ્રોમાં સવિશેષ થતાં સમગ્ર ગામમાં ધાર્મિક લાગણી પ્રસરી ગઈ હતી.

આ અવસરે વાલીઓ, ગ્રામજનો અને આંગણવાડી કેન્દ્રના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બાળકો દ્વારા થયેલ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માણી હતી. આ દરમ્યાન સમગ્ર આંગણવાડી પરિસરમાં અને ગામમાં સાંસ્કૃતિક વાતાવરણ ઊભું થયું હતુ. ભગવાન શ્રી કૃષ્ણના મહાન દિવસના આ તહેવારને સૌએ હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો.