રમત-ગમતઃ ટીમ ઈન્ડિયા 12 બોલમાં દક્ષિણ આફ્રિકાની બે વિકેટ લઈ જીત્યું

અટલ સમાચાર, ડેસ્ક
રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મોટી જીત મેળવી છે. રમતના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાને જીત માટે બે વિકેટની જરૂર હતી. અને ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાની ઇનિંગને સમેટવામાં વધુ સમય ન લીધો. ટીમ ઈન્ડિયાએ માત્ર 12 બોલમાં દક્ષિણ આફ્રિકાની બચેલી બે વિકેટ લઈ લીધી.
વિરાટ કોહલીની સેનાએ આ જીતની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલી પહેલો કેપ્ટન બની ગયો છે જેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમ, પુણે ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ દક્ષિણ આફ્રિકાને રાંચીમાં પણ કચડી દીધું. નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાએ પોતાની જમીન પર 32માંથી 26મી ટેસ્ટ જીતી છે. ટીમ ઈન્ડિયા વર્ષ 2012થી પોતાના ઘરે ટેસ્ટ સીરીઝ હાર્યું નથી.
શાહબાજ નદીમે દિવસની પહેલા ઓવરના પાંચમા બોલે ડી બ્રૂઇનને સાહાના હાથે કેચ આઉટ કરાવી દીધો અને ત્યારબાદ તેણે લુંગી એન્ગિડીને પોતાની જ બોલિંગમાં કેચ પકડીને દક્ષિણ આફ્રિકાની ઇનિંગ સમેટી લીધી. દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ 133 રને સમેટાઈ અને ભારતે ઇનિંગ અને 202 રને જીત નોંધાવી.