રમત-ગમતઃ 1 વર્ષમાં બે વાર રમાશે IPL, સીઝનમાં હશે 94 મેચ, આ ક્રિકેટરે જણાવ્યો ખાસ પ્લાન
ipl

અટલ સમાચાર, ડેસ્ક

આઈપીએલ-2022ની સમાપ્તિ થઈ ગઈ છે. આ સીઝન પણ ફેન્સ માટે યાદગાર રહી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. ભારતની ટી20 લીગમાં વિશ્વના અનેક દિગ્ગજ ખેલાડીઓ રમવા માટે આવે છે. આ વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટ્રેટરે આઈપીએલને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેનું માનવું છે કે આવનારા સમયમાં આઈપીએલ એક વર્ષમાં બે વખત જોવા મળશે. 

આઈપીએલમાં આ વખતે બે નવી ટીમો રમી હતી. જેના કારણે મેચની સંખ્યામાં પણ વધારો થયો હતો. હવે પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ કહ્યુ કે, આવનારા વર્ષોમાં આપણે એક વર્ષમાં બે આઈપીએલ જોવા મળશે તે નક્કી છે. કોમેન્ટ્રેટર આકાશ ચોપડાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર આ ભવિષ્યવાણી કરી છે. 

ભારતના પૂર્વ ઓપનરે કહ્યું- ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા ફેરફાર થયા છે, જે તે વાતનો ઈશારો કરે છે કે ટૂર્નામેન્ટ હજુ આગળ વધશે. તેણે કહ્યું કે, આ અચાનક નહીં થાય તેના માટે પાંચ વર્ષ સુધીનો સમય લાગી શકે છે. પરંતુ મને લાગે છે કે આ જરૂર થશે. 

મહત્વનું છે કે આઈપીએલ-2022માં 10 ટીમો વચ્ચે કુલ 74 મેચ રમાઈ હતી. આકાશ ચોપડાએ એક વર્ષમાં બે આઈપીએલનો પ્લાન પણ જણાવ્યો છે. તેણે કહ્યું- હવે આઈપીએલમાં 10 ટીમો છે. તેવામાં મેચની સંખ્યા વધશે. તેણે કહ્યું કે, એક આઈપીએલ મોટા ફોર્મેટમાં હશે જેમાં 94 મેચ રમાઈ શકે છે, જ્યારે એક નાની ટૂર્નામેન્ટ હશે, જ્યાં ટીમ એકબીજા વિરુદ્ધ માત્ર એક મેચ રમશે. આ નાની આઈપીએલ એક મહિનામાં પૂરી થઈ શકે છે.