રમત-ગમતઃ બીજી ટેસ્ટ મેચમાં બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 275 રને હરાવ્યું

આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 9 વિકેટે પરાજય આપ્યો હતો. હવે બંને ટીમ વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ રમાશે. 
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન (42 રન પર 5 વિકેટ) ની આગેવાનીમાં પોતાના બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની એશિઝ સિરીઝની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 275 રને કારમો પરાજય આપ્યો છે. એડિલેડના ઓવલ મેદાન પર રમાયેલી આ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં પાંચમાં અને અંતિમ દિવસે સોમવારે ઈંગ્લેન્ડની ટીમ 468 રનના લક્ષ્યના જવાબમાં 192 રન બનાવી શકી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 9 વિકેટે પરાજય આપ્યો હતો. હવે બંને ટીમ વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ રમાશે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટની પ્રથમ ઈનિંગ 9 વિકેટ પર 473 રને ડિકલેર કરી હતી. ત્યારબાદ તેણે ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં 236 રનમાં ધરાશાયી કરી દીધુ હતું. યજમાન ટીમે ફરી 9 વિકેટે 230 રન બનાવી પોતાની બીજી ઈનિંગ ડિકલેર કરી હતી અને ઈંગ્લેન્ડ સામે 468 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ તેના જવાબમાં 192 રન બનાવી શકી અને તેણે 275 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. માર્નસ લાબુશેનને તેની શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. લાબુશેને પ્રથમ ઈનિંગમાં 103 અને બીજી ઈનિંગમાં 51 રન બનાવ્યા હતા. 

ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 97 બોલ પર સાત ચોગ્ગાની મદદથી સર્વાધિક 44 રન બનાવ્યા હતા. જોસ બટલરે 207 બોલનો સામનો કરતા 26 રન બનાવ્યા હતા. તે હિટવિકેટ આઉટ થયો હતો. આ સિવાય બેન સ્ટોક્સે 77 બોલમાં 12 રન, ઓલી રોબિન્સને 39 બોલમાં 8 રન અને બ્રોડે 31 બોલમાં 9 રન બનાવ્યા હતા. રિચર્ડસને અંતિમ બેટર જેમ્સ એન્ડરનને બે રન પર આઉટ કરી પોતાની પાંચમી વિકેટ ઝડપી હતી. રિચર્ડસને કરિયરમાં પ્રથમવાર પાંચ વિકેટ ઝડપી છે.