રમત-ગમતઃ ટીમ ઇન્ડીયાએ ઇતિહાસ રચ્યો, સેન્ચુરિયનમાં પહેલીવાર સાઉથ આફ્રીકાને આપી માત
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

અદભૂત બોલિંગ કરીને આફ્રિકાની ટીમને ધૂળ ચટાડી દીધી છે. આ મેચની બીજી ઈનિંગમાં 305 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 191 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બંને ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકાને ઓછા સ્કોર પર રોકી દીધી હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહ સિવાય મોહમ્મદ શમીએ પણ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી.

305 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ ક્યારેય લયમાં હોય તેવું લાગ્યું ન હતું.આફ્રિકા તરફથી કેપ્ટન ડીન એલ્ગરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે આ મેચમાં 77 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાનો કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. ટેમ્બા બવુમા 35, ક્વિન્ટન ડીકોકે 21 રન બનાવ્યા હતા. કીગન પીટરસને 17, એડમ માર્કરામે 1, રાસી વોન ડેર ડુસેને 11 રન બનાવ્યા છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ભારતે દક્ષિણ આફ્રિકાને 305 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચોથા દિવસે ભારતીય ઇનિંગ 174 રન પર સમાપ્ત થઇ ગઇ હતી. બીજી ઈનિંગમાં કોઈ ભારતીય બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકાના બોલરોએ ચુસ્ત બોલિંગ કરી હતી. ભારતના બંને ઓપનર સસ્તામાં આઉટ થયા હતા. મયંક અગ્રવાલે (Mayank Agarwal) 4 રન અને કેએલ રાહુલે (KL Rahul) 23 રનનું યોગદાન આપ્યું હતું. 

નાઈટવોચમેન શાર્દુલ ઠાકુર પણ કોઈ ખાસ કમાલ ન બતાવી શક્યો અને માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ ચેતેશ્વર પુજારા (Cheteswar Pujara) 16, કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) 18, અજિંક્ય રહાણે 20 રન બનાવીને આઉટ થયા હતા. રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) 14 રનનું યોગદાન આપ્યું હતું. વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે 34 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી 1 અને મોહમ્મદ સિરાજ કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા હતા.