વર્લ્ડકપ: ભારતનો વિન્ડીઝને હરાવી પાંચમો વિજય, સેમી ફાઈનલની એક કદમ દૂર

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે આઈસીસી વિશ્વ કપ-2019ની 34મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 125 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પાંચમો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં કોહલી અને ધોનીની અડધી સદીની મદદથી 7 વિકેટે 268 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિન્ડીઝની ટીમ 34.2 ઓવરમાં 143 રન બનાવી
 
વર્લ્ડકપ: ભારતનો વિન્ડીઝને હરાવી પાંચમો વિજય, સેમી ફાઈનલની એક કદમ દૂર

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે આઈસીસી વિશ્વ કપ-2019ની 34મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 125 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પાંચમો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં કોહલી અને ધોનીની અડધી સદીની મદદથી 7 વિકેટે 268 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિન્ડીઝની ટીમ 34.2 ઓવરમાં 143 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શમીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

ટૂર્નામેન્ટમાં ભારતનો આ પાંચમો વિજય છે. ભારતના કુલ 11 પોઈન્ટના આંકડાએ પહોંચી ગયું છે. અને ટીમ સેમિફાઇનલમાં પહોંચવાની નજીક પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રિક ઝડપનાર મોહમ્મદ શમીએ આ મેચમાં પણ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. શમીએ ક્રિસ ગેલ (6)ને કેદાર જાધવના હાથે કેચ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ શાઈ હોપ (5)ને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. વિન્ડીઝે 16 રનમાં બે વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શમીએ શિમરોન હેટમાયર (18)ને રાહુલના હાથે કેચ કરાવીને પોતાની ત્રીજી સફળતા મેળવી હતી.

જોકે, જસપ્રીત બુમરાહ 27મી ઓવરમાં પોતાના બીજા સ્પેલમાં બોલિંગ કરવા આવ્યો હતો. તેણે પ્રથમ બોલ પર બ્રેથવેટને ધોનીના હાથે કેચ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ ફેબિયન એલેનને શૂન્ય પર LBW આઉટ કર્યો હતો. બુમરાહને હેટ્રિકની તક મળી હતી પરંતુ તે આ સિદ્ધિ મેળવવા ચુકી ગયો હતો. શેલ્ડન કોટરેલ (10)ને ચહલે LBW આઉટ કર્યો હતો.

ભારત તરફથી મોહમ્મદ શમીએ 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાબ, ચહલે બે-બે તથા હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે એક વિકેટ ઝડપી હતી.

ભારતનો સન્માનજનક સ્કોર

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ પર 268 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 72 રનનું યોગદાન આપ્યું હતું. એમએસ ધોની 61 બોલ પર 56 રન બનાવી અણનમ રહ્યો હતો. લોકેશ રાહુલ 48 અને હાર્દિક પંડ્યાએ 46 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે કેમાર રોચે 3, જેસન હોલ્ડર અને શેલ્ડન ટોકરેલે બે-બે વિકેટ ઝડપી હતી.

કોહલીએ સૌથી ઝડપી 20 હજાર ખડકી દીધા

કોહલીએ સૌથી ઓછી ઈનિંગમાં 20 હજાર રન બનાવવાના મામલામાં સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો છે. સચિન અને લારાએ 457મી ઈનિંગમાં 20 હજાર રન પૂરા કર્યાં હતા. કોહલીએ 417મી ઈનિંગમાં જ આ આંકડાને પાર કરી દીધો છે. તે 20 હજાર રન બનાવનાર 12મો બેટ્સમેન છે. કોહલીએ ટેસ્ટમાં 131, વનડેમાં 224 અને ટી20મા 62 ઈનિંગ રમી છે.