અપડેટ@અમદાવાદ: AI ટેક્નોલોજી દ્વારા સીસીટીવી કેમેરાથી વિવિધ નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે

નિયમોના ભંગ બદલ નાગરિકોને દંડ કરવામાં આવશે.
 
અપડેટ@અમદાવાદ: AI ટેક્નોલોજી  દ્વારા સીસીટીવી કેમેરાથી વિવિધ નિયમોના ભંગ બદલ  કાર્યવાહી કરવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં 5,000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરી શહેરના તમામ સીસીટીવી કેમેરાથી પોલીસના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.

ત્રણ મહિના બાદ આ સોફ્ટવેર તૈયાર થઈ જશે અને શહેરના લાગેલા તમામ સીસીટીવી કેમેરા અને કંટ્રોલરૂમ સાથે એને જોડી દેવામાં આવશે. ત્યાર બાદ શહેરમાં કોઈપણ પ્રકારના પોલીસ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા નિયમોના ભંગ બદલ નાગરિકોને દંડ કરવામાં આવશે.

ટ્રાફિકના આ નિયમોનો ભંગ સીસીટીવામાં કેદ થશે
સિગ્નલ ભંગ
ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ
રોંગ સાઈડમાં વાહન ચલાવવું
સીટબેલ્ટ વગર ફોર-વ્હીલ કે મોટાં વાહનો ચલાવવાં
હેલ્મેટ વગર ટૂ-વ્હીલર ચલાવવું
ટૂ-વ્હીલરમાં ત્રણ સવારી નીકળવું
દિવસમાં ભારે વાહનોની અવરજવર કરવી
નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું
BRTS લેનમાં વાહન ચલાવવું

અમદાવાદમાં સ્માર્ટ સિટીના 5 હજારથી વધુ સીસીટીવી સોફ્ટવેર સાથે જોડી કંટ્રોલરૂમ સાથે કનેક્ટ કરાશે.

AMCના આ નિયમોનો ભંગ સીસીટીવીમાં કેદ થશે
જાહેર રોડ ઉપર થૂંકવું
રસ્તા પર રખડતાં પશુ
ભારે વાહનો દ્વારા મટીરિયલ કવર કર્યા વિના લઈ જવા
જાહેર રોડ ઉપર કચરો ફેંકવો
ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં હોય
લાઈટના થાંભલા અને ફૂટપાથ તૂટેલી હોય
રોડ ઉપર ખાડા હોય
રસ્તા કે વિસ્તારોમાં પાણી ભરાવવું
ગેરકાયદે દબાણો કરવું

બીઆરટીએસ રૂટમાં વાહનો ચલાવશો તો સીસીટીવીથી દંડાશો.

સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે
સ્માર્ટ સિટીના CEO અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરામાં અત્યારસુધી પોલીસના લાલ સિગ્નલ ભંગ બદલ દંડ કરવાની જ કાર્યવાહી અંગેનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે સ્માર્ટ સિટી અમદાવાદમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરામાંથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ઉપયોગી કામગીરી કરવામાં આવશે, જેમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રકારના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી વિવિધ 20થી 22 જેટલા ટ્રાફિક-પોલીસ અને કોર્પોરેશનના નિયમોના ભંગ બદલ કામગીરી થશે.

હેલ્મેટ વિના ટૂ-વ્હીલર ચલાવ્યું તો સીસીટીવીમાં કેદ થશો અને કાર્યવાહી કરાશે.

સોફ્ટવેરને સ્માર્ટ સિટીના કંટ્રોલરૂમ કનેક્ટ કરાશે
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં 5,000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યારસુધી માત્ર લાલ સિગ્નલ ભંગના જ મેમો આપવામાં આવતા હતા. ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરી નિયમોના ભંગ કરનાર નાગરિકો સામે દંડનીય કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મારફત નિયમ ભંગની કાર્યવાહી કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી. સ્માર્ટ સિટી અંતર્ગત લાગેલા તમામ સીસીટીવી કેમેરાઓને એક ખાસ પ્રકારના સોફ્ટવેર સાથે જોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના માટે ટેન્ડરપ્રક્રિયા કરવામાં આવી હતી. ટેન્ડરપ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે. આગામી ત્રણથી ચાર મહિનામાં ખાસ સોફ્ટવેરને સ્માર્ટ સિટીના કંટ્રોલરૂમ અને સીસીટીવી કેમેરા સાથે કનેક્ટ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ​​

બીઆરટીએસ લેન પર વાહન ચલાવવું ભારે પડશે
શહેરમાં લાલ સિગ્નલ ભંગ, હેલ્મેટ વિના, ત્રણ સવારી, સીટબેલ્ટ વગર, રોંગ સાઈડ વગેરે નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને જાહેરમાં થૂંકનારા, રખડતાં પશુઓ, કચરો, પાણી ભરાવવું, ભારે વાહનોમાં કવર કર્યા વિના મટીરિયલ લઈ જવું વગેરે અંગેની માહિતી મળી રહેશે. એના પરથી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના લાગતાવળગતા વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને બીઆરટીએસ લેનમાં લોકો વધુ વાહનો ચલાવતા હોય છે. જેથી બીઆરટીએસ લેન પર પણ જેટલા લોકો વાહનો ચલાવે છે તેમની સામે પણ આ કાર્યવાહી કરવામાં વધુ મદદરૂપ થશે.